વિવિધ સેવાઓ

બીએસઈ રોકાણકારો માટે અનેકવિધ સેવાઓ ઓફર કરે છે. એમાંની મુખ્ય છે વેબેક્સ, વેબેક્સે દેશના રોકાણકાર વર્ગમાં ક્રાંતિ કરી છે. આ એવી સેવા છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ ઘેરબેઠાં શેરોની ખરીદી અને વેચાણ કરી શકે છે. વેબેક્સ પર રોકાણકારો શેરોના ભાવ અને કંપની સંબંધિત જાહેરાતો જોઈ શકે છે. આટલું નહીં રોકાણકાર તેના એકથી વધુ પોર્ટફોલિયો તૈયાર કરી તેના પર ઘેરબેઠાં સતત નજર રાખી શકે છે. એક્સચેન્જ રોકાણકારોના શિક્ષણ અને તાલીમ માટેનું મોટું માળખું ધરાવે છે. બીએસઈ ઈન્સ્ટિટ્યૂટ તેનો જ હિસ્સો છે. આ સંસ્થા એક આગવી ઓળખ ધરાવે છે. અહીં કેપિટલ માર્કેટ સંબંધી વિષયનું શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચ જાણકારી આપતી આ સંસ્થામાં ટોચના અનુભવીઓ અને પ્રોફેશનલ્સ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે.

તાલીમને અંતે સંસ્થા દ્વારા આપવામાં આવતાં પ્રમાણપત્રો ઊંચી માન્યતા ધરાવે છે. આ ઉપરાંત બીએસઈ વિવિધ પ્રકારના રોકાણકારો માટે મૂડીબજાર અને અન્ય વિષયો સંબંધિત વિવિધ સાહિત્ય પણ પ્રકાશિત કરે છે, જેમાં શેરબજારના કામકાજ સાથે સંકળાયેલી ઝીણામાં ઝીણી બાબતો આવરી લેવામાં આવે છે.