બીએસઈનો ગરિમાપૂર્ણ પરિચય
એશિયાના સૌથી જૂના શેરબજાર ''બીએસઈ'' તરીકે લોકપ્રિય બીએસઈ લિમિટેડની સ્થાપના 1875માં થઈ હતી. ભારતીય મૂડીબજારના વિકાસમાં આ એક્સચેન્જની વ્યાપક ભૂમિકા રહી છે અને તેનો ઈન્ડેક્સ વિશ્વવિખ્યાત છે. મેનેજિંગ ડિરેક્ટરના નેતૃત્વ હેઠળ ડિરેક્ટર્સ બોર્ડ દ્વારા એક્સચેન્જનું સંચાલન થાય છે. આ બોર્ડમાં પ્રતિષ્ઠિત
પ્રોફેશનલ્સ, ટ્રેડિંગ સભ્યોના પ્રતિનિધિઓ અને જાહેર પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. એક્સચેન્જ ભારતના નાના-મોટા શહેરોમાં પોતાની હાજરી સાથે રાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું છે. બીએસઈની સિસ્ટમ અને પ્રક્રિયા બજારની પારદર્શકતા તથા સલામતી જળવાઈ રહે એવી છે. વૈશ્વિક સિદ્ધિઓ પ્રસ્થાપિત કરી સર્વોચ્ચ સ્ટોક એક્સચેન્જ તરીકે ઊભરવાનું
વિઝન ધરાવતું આ એક્સચેન્જ સવાસોથી અધિક વર્ષોના ભવ્ય ઈતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવે છે.
એક્સચેન્જમાં ટ્રેડિંગ રાઈટ અને ઓનરશિપ રાઈટ (વેપાર અધિકાર અને માલિકી હક) એકબીજાથી અલગ (ડિમ્યુચ્યુલાઈઝ) છે.
આ સ્થિતિમાં રોકાણકારોના હિતોની વિશેષ કાળજી લેવામાં આવે છે.
એક્સચેન્જ ઈક્વિટી, ડેટ (બોન્ડ) અને ફ્યુચર્સ અને ઓપ્શન્સના વેપાર માટેનું માળખું અને પારદર્શક ટ્રેડિંગ સિસ્ટમ પૂરી પાડે છે. બીએસઈની ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઈન્ફોર્મેશન સિક્યુરિટી મેનેજમેન્ટ સિસ્ટમના ધોરણનું સર્ટિફિકેટ BS7799-2:2002 આ સિસ્ટમ ધરાવે છે. BS7799 ઓડિટ Det Norske Veritas (DNV)દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્ર મેળવનારું બીએસઈ ભારતનું એક માત્ર અને વિશ્વનું બીજું એક્સચેન્જ છે. માહિતી એકઠી કરવા, જોખમને અંકુશમાં રાખવા અને ટેક્નિકલ સિસ્ટમ તેમ જ લોકોની અસ્ક્યામતોની રક્ષા માટે BS7799 આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય ધોરણ છે.